કેમ ખોટા વ્યક્તિ સાથે રિલેશનશિપમાં ફસાઈ જાય છે હોશિયાર છોકરીઓ?

આ માટે સ્માર્ટ ગર્લ ફસાઈ જાય છે ખોટા સંંબંધોમાં

ઘણીવાર આપણે જોઇએ છીએ કે સ્માર્ટ, ઇમોશનલી ઈન્ટેલિજન્ટ ગર્લ એવી રીલેશનશિપમાં હોય છે જે ખરેખર નુકસાનકર્તા હોય છે. આ સંબંધમાં તેનો પાર્ટનર તેનું અપમાન કરતો હોય, તેની સાથે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે દુરવ્યવહાર કરતો હોય તેમ છતા આ ગર્લ તેવા પાર્ટનરને છોડતી નથી.

એવું તો શું હોય છે ખોટા વ્યક્તિમાં કે તેેનાથી નથી રહી શકતી દૂર

આ ગર્લ જાણતી તો હોય છે કે તેની સાથે જે થઈ રહ્યું છે ખરેખર ખરાબ છે અને તેમાંથી છુટવું જોઈએ પરંતુ પોતાના દુરવ્યવહારી પાર્ટનર તરફ કોઈક અભેદ્ય અને મજબૂત બંધાણથી તે એવી બંધાયેલી હોય છે કે તે ઇચ્છીને પણ તેનાથી દૂર રહી શકતી નથી. પરંતુ તે આવું કરે જ શા માટે છે તે જાણવા જુઓ આ પાંચ કારણો.

ટોક્સિક પાર્ટનરનો મજબૂત કંટ્રોલ

સ્માર્ટ અને સ્વતંત્ર ગર્લ તરીકે આગળ વધવું સામાન્ય વાત નથી. પરંતુ આવી હોનહાર ગર્લ પર પણ આવા વ્યક્તિઓ ધીમે ધીમે પોતાનો કબજો જમાવી દે છે. ખૂબ જ ધૈર્ય સાથે આવા વ્યક્તિઓ પહેલા તો તેનો વિશ્વાસ જીતે છે અને પછી ગર્લ પર પોતાનું આધિપત્ય સ્થાપે છે. જ્યાં સુધીમાં આ ગર્લ આ વસ્તુ નોટિસ કરે છે ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ચૂક્યું હોય છે. તે સંપૂર્ણ પણે આવા દુરાચારી પાર્ટનર પર આધારી બની ગઈ હોય છે.

ચાલાકીથી કામ કઢાવવાના માસ્ટર હોય છે

આવા લોકો ચાલાકીથી પોતાના જ રસ્તે કામ કઢાવવાના માસ્ટર હોય છે. પાર્ટનર પોતાનું જ કહ્યું કરે તે માટે આવા લોકો ઇમોશનલ ટેક્નિક પણ ખૂબ સારી રીતે યૂઝ કરે છે. તેઓ આવી ગર્લને આગળ વધારતી અને સ્વતંત્રરીતે વિચાર કરવા આપતી દરેક વસ્તુ અને ઘટનાને તેનાથી દૂર કરે છે. ધીમે ધીમે ગર્લ ફક્ત પોતાના આવા પાર્ટનરનું જ એક રીફ્લેક્શન બનીને રહી જાય છે.

તેની સાથે દુર્વ્યવહાર અને અપમાન કરે છે

વ્યક્તિના સ્વાભિમાનને તોડી નાખવા માટે આવા લોકો તેના પાર્ટનર સાથે ડગલે અને પગલે દુર્વ્યવહાર અને તેને અપમાનીત કરે છે. આવા લોકો પોતાના નોલેજનો ઉપયોગ તેમના પાર્ટનરને લઘુતાગ્રંથી અને પોતાની જાત પર શરમ આવે તે માટે કરે છે. ઓછું સ્વાભિમાન એક મહત્વનું કારણ છે કે વ્યક્તિ આવી ખરાબ રીલેશનશિપમાં પણ ટકી રહે છે.

સેલ્ફ ડાઉટને વેપન તરીકે કરે છે યુઝ

ટોક્સિક પર્સનનું આ બ્રહ્માસ્ત્ર હોય છે. તેઓ હંમેશા પોતાના પાર્ટનરને પોતાના દરેક પગલા તરફ શંકા ભરી નજરે જોવા માટે મજબૂર કરે છે જે બાદ તેમને પોતાની આ શંકા માટે અફસોસ કરવા પણ મજબૂર કરે છે. જેના કારણે આવા સંબંધમાં રહેલી ગર્લ ગમે તેટલી આત્મવિશ્વાસથી ભરપુર હોય દરેક બાબતે પ્રશ્ન કરતી થઈ જાય છે કે હું કશું ખોટું તો નથી કરી રહી. આવા વ્યક્તિ પોતાની ગર્લ પાર્ટનરના મગજમાં ઠસાવે છે કે તેમના સંબંધોમાં જે પણ ખોટું થઈ રહ્યું છે તે તેમના કારણે થઈ રહ્યું છે. તે જ ઓવરરિએક્ટિંગ કરતી હોવાથી સંબંધો બગડી રહ્યા છે.

આવા લોકો છેતરવામાં માસ્ટર હોય છે

આવા લોકોના સંબંધો હંમેશા જૂઠ અને દગાના આધાર પર હોય છે. ટોક્સિક પાર્ટનર હંમેશા જાણતા હોય છે કે તેમના પાર્ટનરને મુરખ બનાવવા ખૂબ સહેલા છે કેમ કે તેઓ તેમના પર વિશ્વાસ કરે છે. માટે તેઓ હંમેશા તેમને ખોટું બોલે છે અને તેમની સાથે ખોટું કરે છે. તેમને દરેક બાબતે અવઢવમાં અને હેલ્પલેસ સ્થિતિમાં રાખે છે. આ રીતે તેઓ તેમને દેખાડવા માગે છે કે આ સ્થિતિમાં પોતે જ એક છે જે તેમને મદદ કરી શકે તેમ છે. પોતાને સાબિત કરવા માટે આવા વ્યક્તિઓ પોતાની પાર્ટનરના તેના ફ્રેન્ડ્સ અને પરિવાર સાથેના સંબંધો પણ તોડાવી નાખે છે.