હોળીના રંગમાં રંગાતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

– કેમિકલ યુક્ત કલરથી થતા નુકશાનથી ત્વચાને બચાવવા માટે કાળજી લેવી જરૂરી છે

હોળીને બસ હવે થોડાક જ દિવસ બાકી રહી ગયા છે. જીવનમાં આ રંગોથી જ સમૃદ્ધિ આવે છે. પરંતુ આજકાલના કેમિકલ યુક્ત કલર ત્વચાને નુકશાન પણ પહોંચાડી શકે છે. એટલા માટે હોળી પહેલા ત્વચાની કાળજી રાખવી જરૂરી છે જેથી સરળતાથી કલર દૂર કરી શકાય.

હોળીનો ગુલાલ વાળમાં જાય છે ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલા માટે હોળી રમતા પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવી લો. તેના માટે બે મોટી ચમચી બદામના તેલમાં બે ટીપાં લવન્ડરનું તેલ, એક ટીપું ગુલાબનું તેલ અને બે અથવા ત્રણ ટીપાં લીંબૂનો રસ મિક્સ કરીને લગાવી લો.

હોળી રમ્યા બાદ કલર ત્વચાથી હટતો નથી. રંગ હટાવવાને માટે બે ચમચી બેસનમાં એક ચપટી હળદરનો પાઉડર, એક નાની ચમચી મધ અને થોડુક દૂધ અથવા દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ત્વચા પર લગાવીને 15-20 મિનિટ સુધી લગાવીને હુંફાળા પાણીથી ધોઇ નાંખો. તેની મદદથી ત્વચા પરનો રંગ સરળતાથી દૂર થઇ જશે.

હોળીના દિવસે બેવારથી વધારે ન નાહશો. તેનાથી ત્વચાનું પીએચ બેલેન્સમાં ઘણો બદલાવ આવી શકે છે. ન્હાયા બાદ ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાવો. નખ પર લાગેલો રંગ દૂર કરવું અઘરું છે. હોળી રમતા પહેલાં નખ પર પોતાને ગમતા રંગની નેઇલ પૉલિશ લગાવી લો. આમ કરવાથી તમારા નખ કૃત્રિમ રંગથી સુરક્ષિત રહેશે.