ઘરે બનાવો મગ દાળનો હલવો

મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી. આ રેસિપીથી તમે ઘરે બનાવી શકો છો સૌને મનપસંદ મગની દાળનો શીરો.

સામગ્રી–

  • 1 કપ પીળી મગ દાળ
  • 1/2 કપ પાણી
  • ¾ કપ ઘી
  • 1 કપ ખાંડ
  • 3-4 બદામની કતરણ
  • 1/2 ટે. સ્પૂન એલચી પાઉડર
  • કેસર ગાર્નિશિંગ માટે

કઇ રીતે બનાવશો મગ દાળનો હલવો?

સ્ટેપ-1: મગ દાળને એક બાઉલમાં લઇ તેને 3-4 કલાક સુધી પલાળવી અને પછી તેનું પાણી નીતારી લેવું.
સ્ટેપ-2: તેને મિક્સરમાં નાખી થોડું પાણી ઉમેરી એકદમ પીસી લેવી.
સ્ટેપ-3: એક બાઉલમાં કાઢી તેમાં ½ કપ ઘી ઉમેરવું અને સરખું મિક્સ કરવું.
સ્ટેપ-4: આ મિશ્રણને ગરમ પેનમાં નાખી તેને પકાવવું. સતત હલાવતા રહેવું જેથી તેમાં ગાંઠા ના પડે.
સ્ટેપ-5: ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ તેમાં ¼ કપ ઘી નાંખી બરાબર મિક્સ કરવું.
સ્ટેપ-6: જ્યાં સુધી ઘી છુટું ના પડે ત્યાં સુધી સતત હલાવતા રહેવું અને થોડી વાર ધીમી આંચ પર પાકવા દેવો.
સ્ટેપ-7: હવે એક પેનમાં ખાંડ નાંખવી. ખાંડ ભળી જાય એટલું પાણી નાખવું. ખાંડ ઓગળી ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરવું.
સ્ટેપ-8: ખાંડની ચાસણીને દાળના મિશ્રણમાં ઉમેરી ઘી છુટ્ટું પડે ત્યાં સુધી શેકાવા દેવું.
સ્ટેપ-9: હવે તેમાં એલચી પાઉડર નાંખી મિક્સ કરવો.
તો તૈયાર છે મગ દાળનો હલવો! એક સર્વિંગ બાઉલમાં કાઢી બદામની કતરણ અને કેસરથી ગાર્નિશ કરી સર્વ કરો.