અષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા,ગુરૂપૂર્ણિમાના દિવસ પર આ વસ્તુઓની કરો અચૂક પૂજા

અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. અગાઉના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના વાલી તથા સમાજના અગ્રેસર લોકો આ ગુરુજનોને યથાયોગ્ય દક્ષિણા અર્પણ કરીને ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરતા હતા.

આ વર્ષે અષાઢ સુદ પૂનમ રવિવાર 5 જુલાઈ, 2020ના રોજ ધનુ રાશિમાં માંદ્ય-છાયા ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં માટે પાળવાની જરૂર નથી. વળી છાયા ચંદ્રગ્રહણ એટલે ચંદ્ર માત્ર કથ્થાઈ રંગનો થાય છે. તેને ધાર્મિક રીતે પાળવાનું હોતું નથી.

ગુરુપૂનમના દિવસે થનારું છાયા ચંદ્રગ્રહણ ધનુ રાશિમાં હોવાથી કન્યા (પ.ઠ.ણ.), વૃષભ (બ.વ.ઉ.) મકર (ખ.જ) તથા ધનુ (ભ.ધ.ઢ.ફ) એ ચાર રાશિની વ્યક્તિઓએ ઈષ્ટદેવની ભક્તિ તથા પોતાના રાશિના અધિપતિ ગ્રહના જાપ શાંતિપૂર્વક જાતે કરવાથી મનોબળમાં વૃદ્ધિ થાય.

અષાઢી પૂનમે કરો આ ઉપાય

ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય હોવાથી વળી તુલસી આરોગ્ય માટે વિશેષ ઉપયોગી હોવાથી તુલસીના છોડનું જતન કરવું. નવા તુલસીનું માંજરથી વાવેતર કરવું. સાત્વિક સાહિત્યનું વાંચન કરવું. જનસેવા એ પ્રભુસેવા છે તેમ સમજીને પોતાની આસપાસ જરૂરિયાતવાળા લોકોને શક્ય હોય તે રૂપે, તે રીતે મદદ કરવી જોઈએ.

જીવનમાં સૌપ્રથમ ગુરુ જનેતા એટલે કે મા છે. ત્યારપછી પિતા, પરિવારના વડીલો અને જ્ઞાની પુરુષો, ગુરુજનો એમ આખી સાંકળ ભારતીય પરંપરામાં જોવા મળે છે. દત્તાત્રેય દ્વારા ગુરુ પરંપરામાં વિશેષ ખ્યાલ ઉમેરાયો હતો. તેમણે શ્વાન સહિત પોતાના જીવનમાં ચોવીસ ગુરુ બનાવ્યા હતા.

સાધારણ સંજોગોમાં શ્રદ્ધાળુ લોકો પોતાના પંથ પ્રમાણે કે પરિવારની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાધામમાં જઈને ઉજવણી કરે છે. આ વર્ષે સમય-સંજોગો જુદા છે ત્યારે બારેય રાશિના લોકો પોતાના ઘેર રહીને પણ ગુરુપૂર્ણિમાનું ભાવપૂર્વક કર્તવ્ય બજાવી શકે છે.

The post અષાઢી પૂનમ એટલે ગુરૂપૂર્ણિમા,ગુરૂપૂર્ણિમાના દિવસ પર આ વસ્તુઓની કરો અચૂક પૂજા appeared first on Gujju Media.