ગુજરાતીઓનું સૌથી પ્રિય એવુ ગોળકેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રેસિપી

અથાણાં વગર ગુજરાતી ભોજન અધૂરું છે, અથાણું ન હોય તો કંઈ ખાધું જ નથી તેમ લાગે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં કાચી કેરી પણ આવી ગઈ છે. તમે પણ ઘરે વિવિધ પ્રકારના અથાણાં બનાવતા જ હશો. ઘણીવાર એવું બને કે ઘરે ગોળ કેરીનું અથાણું બનાવીએ પરંતુ તે સરખું બનતું નથી. તો આજે અમે તમને શીખવી દઈએ ગોળ કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત. જે ટેસ્ટમાં સારૂ લાગશે અને લાંબા સમય સુધી સારૂ રહેશે.

સામગ્રી

 • બે નંગ કાચી કેરી
 • સ્વાદઅનુસાર મીઠું
 • 30 ગ્રામ રાયના કુરિયા
 • 20 ગ્રામ મેથીના દાણાં
 • 1 મોટી ચમચી હીંગ
 • 1/2 ચમચી હળદર પાઉડર
 • બે મોટી ચમચી તેલ
 • 10-12 કાળા મરી
 • બે સુકા લાલ મરચાં
 • બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું
 • બે મોટી ચમચી તીખું લાલ મરચું
 • 80 ગ્રામ સુકાં ધાણાં
 • એક કિલો ગોળ

બનાવવાની રીત

ગોળ કેરીનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ કેરીને ધોઈ લો, ત્યારબાદ તેની છાલ કાઢી મીડિયમ સાઈઝના ટુકડાં કરી લો. આ કેરીના ટુકડાંને એક બાઉલમાં લઈ લો, તેમાં સ્વાદાનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. તે મિક્સ થઈ જાય એટલે તેને બાઉલને ઢાંકીને મુકી દો. 4-5 કલાક બાદ કેરીને હલાવી લો, ત્યારબાદ ફરી ઢાંકીને મુકી દો. તેના 12 કલાક બાદ ફરી તેને ચમચાથી હલાવી લો. હવે આ કેરીના ટુકડાંને નિતારીને એક કોટના કાપડમાં પાથરી દો. તેને 24 કલાક સુધી સુકાવા દો.

એક બાઉલ લો. તેમાં રાયના કુરિયા, મેથીના દાણાં, હીંગ, હળદર, કાળા મરી તેમજ લાલ મરચાં ઉમેરો. હવે એક પેનમાં તેલ લઈ તેને ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ એટલે તેને બાઉલમાં રહેલા મિશ્રણમાં ઉપરથી રેડી ડિશથી બાઉલ ઢાંકી દો, જેથી તેના વઘારની સ્મેલ જતી ન રહે. પાંચ મિનિટ બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર તીખું મરચું અને સુકા ધાણાં ઉમેરી મિક્સ કરી લો. હવે હળદર-મીઠાવાળા કેરીના ટુકડાં તેમા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ગોળના નાના ટુકડાં ઉમેરી મિક્સ કરી બાઉલને ઢાંકી દો. આ મિશ્રણને 12 કલાક માટે એમ જ રહેવા દો. ત્યારબાદ તેને ફરી મિક્સ કરી લો. તેના 24 કલાક બાદ મિશ્રણને ફરીથી મિક્સ કરી લો. તો તૈયાર છે ગોળ કેરીનું અથાણું.

The post ગુજરાતીઓનું સૌથી પ્રિય એવુ ગોળકેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રેસિપી appeared first on Gujju Media.