જાણો ઊંચી આવક ધરાવતા લોકો માટે મહેસુલી અધિકારીઓએ કર્યુ ક્યુ મહત્વનું સૂચન

કોરોના વાઈરસ રોગચાળા સામે લડવા માટે સરકાર દરેક રીતે ભંડોળ એકત્રિત કરી રહી છે. આ દરમિયાન વરિષ્ઠ મહેસુલી અધિકારીઓએ ઊંચી આવક ધરાવતા લોકો અને વિદેશી કંપનીઓ ઉપર વધુ ટેક્સ નાખવાની ભલામણ કરી છે. ટેક્સ અધિકારીઓએ કોરોના સામેની લડતમાં ટૂંકા અને મધ્યમ ગાળામાં રોકડની વ્યવસ્થા કરવા માટે આ સૂચનો કર્યા છે. મહેસૂલ અધિકારીઓએ ફિસ્કલ ઓપ્શન એન્ડ રિસ્પોન્સ ટુ ધ કોવિડ-19 એપેડેમિક નામનું પેપર તૈયાર કર્યું છે. ભારતીય મહેસૂલ સેવા એસોસિએશને આ પેપર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના અધ્યક્ષ પીસી મોદીને સુપરત કર્યું છે.

અધિકારીઓ દ્વારા ફક્ત પ્રમાણિક અને સમયસર કર જમા કરનારાઓને રાહત આપવાની ભલામણ કરવામાં આવે છે. ખાસ કરીને, સમયસર રિટર્ન ફાઇલ કરનારાઓને ટેક્સમાં રાહતની ભલામણ કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે જેઓ ITR ફાઇલ નથી કરતા અને ટીડીએસના બોગસ દાવા કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સામેની લડતમાં ભંડોળ એકત્ર કરવા માટે, કેન્દ્ર સરકારે તાજેતરમાં 30 જૂન 2021 સુધી તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવી દીધો છે. આ પગલાથી સરકારને રૂ. 37 હજાર કરોડની બચતનો અંદાજ મૂક્યો છે.

50 મહેસૂલ અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા આ પેપરમાં 3થી 6 મહિનાના ટૂંકા ગાળા માટે વર્તમાન ટેક્સ 30%થી વધારીને 40% કરવાની ભલામણ કરવામાં આવી છે. એટલે કે, વાર્ષિક રૂ. 1 કરોડ કે તેથી વધુ આવક કરનારા લોકોને 30% ને બદલે 40% કર લાગશે. આ સિવાય 5 કરોડ અથવા તેથી વધુ આવક કરનારાઓ માટે સંપત્તિ વેરો ફરીથી લાગુ કરવો જોઇએ. પત્રમાં જણાવાયું છે કે 2021 ના ​​બજેટમાં સુપર રિચ પરના સરચાર્જથી ફક્ત રૂ. 2700 કરોડની આવક થવાનો અંદાજ છે. તેથી જ સુપર રિચ લોકો પર ટેક્સ સ્લેબ વધારવાની ભલામણ કરવામાં આવે છે. જેમની કરપાત્ર આવક વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ છે તેમને સુપર ધનિકની શ્રેણીમાં ગણવામાં આવે છે.


મહેસુલ અધિકારીઓના જૂથે નિયત સમયમર્યાદામાં અતિ-અમીરને વેરો આપવા માટે બે વિકલ્પો સૂચવ્યા છે. પ્રથમ સૂચન, વાર્ષિક 1 કરોડથી વધુ આવક ધરાવતા લોકો માટે મહત્તમ ટેક્સના સ્લેબને વર્તમાન 30%થી વધારીને 40% કરવાની છે. બીજો સૂચન એ છે કે જેમની ચોખ્ખી સંપત્તિ રૂ. 5 કરોડ અથવા તેથી વધુ છે, તેઓ પર ફરીથી સંપત્તિ વેરો લાદવો જોઈએ. જૂથે દેશમાં ધંધો કરતી વિદેશી કંપનીઓ પર સરચાર્જ વધારવાનું સૂચન કર્યું છે જેથી 9થી 12 મહિનાના મધ્યમ ગાળામાં વધુ આવક થાય. હાલમાં, વિદેશી કંપનીઓ પર 1 થી 10 કરોડ પર 2% અને 10 કરોડથી વધુની કમાણી પર 5% વેરો લેવામાં આવે છે.

વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓના જૂથે આવક વધારવા માટે કોવિડ-19 સેસ લાગુ કરવાની ભલામણ કરી છે. પેપર મુજબ અધિકારીઓના જૂથે 4%ના દરે વન ટાઈમ કોવિડ રિલીફ સેસની ભલામણ કરી હતી. પેપરમાં પ્રારંભિક અંદાજ મૂકવામાં આવ્યો છે કે આ સેસથી લગભગ 15 થી 18 હજાર કરોડ સરકારી તિજોરીમાં જમા થશે.

The post જાણો ઊંચી આવક ધરાવતા લોકો માટે મહેસુલી અધિકારીઓએ કર્યુ ક્યુ મહત્વનું સૂચન appeared first on Gujju Media.