તાપસીએ કરી રિપોર્ટરની બોલતી બંધ

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ 50મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તાપસી ઓડિયન્સ સાથે રૂબરૂ વાતચીત કરતી હતી. એ વખતે એક શખ્સે તાપસીને અંગ્રેજીના બદલે હિંદીમાં વાત કરવાનું કહ્યું. ત્યારે તાપસીએ શખ્સને એવો જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ. શખ્સે હિંદીમાં બોલવાનું કહેતા તાપસીએ ઓડિયન્સને પૂછ્યું, શું અહીં બધા લોકો હિંદી સમજી શકે છે? તાપસીના સવાલ છતાં શખ્સ પોતાની વાત પર અડેલો રહ્યો. તેણે તાપસીને કહ્યું કે, તે બોલિવુડ એક્ટ્રેસ હોવાથી તેણે હિંદીમાં વાત કરવી જોઈએ.

જવાબમાં તાપસીએ કહ્યું, હું તમિલ અને તેલુગુ સિનેમામાં પણ એક્ટ્રેસ તરીકે કાર્યરત છું. તો શું તમિલમાં વાત કરું? તાપસીનો જવાબ સાંભળીને તે શખ્સ ચૂપચાપ ખુરશીમાં બેસી ગયો હતો. તાપસીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કેટલાક લોકો બહુ સરળતાથી આગળ વધી જાય છે હું એવું કરવા નથી માગતી. એવું માનવામાં આવે છે કે હિંદી આખા દેશમાં બધા જ લોકો સમજી શકે છે પરંતુ એવું નથી. તાપસીએ જણાવ્યું હતુ કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જ મને સારી એક્ટ્રેસ બનાવી છે. હું સાઉથ સિનેમામાં કામ કરવાનું ચાલુ રાખીશ. કારણકે સાઉથની ફિલ્મો કરી હોવાથી જ મને બોલિવુડમાં કામ કરવાની તક મળી છે.