પાટીદાર સમાજનું ગૌરવ છે ‘અલ્પા પટેલ’: માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી

ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા ઘણા લોક ગાયકોનો સિંહફાળો રહેલો છે. આવી જ એક લોક ગાયિકા છે અલ્પા પટેલ જે ઘણા વર્ષોથી લોકડાયરામાં સુરીલાં કંઠે શ્રોતાઓને ડોલાવતી રહે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી.

તેમણે સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરી હતી. પણ આજે તેમના ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. તેઓ સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ અંદાજીત 1થી 1.25 લાખની ફી લે છે.

સંઘર્ષમય રહ્યું છે જીવન:

અલ્પા પટેલનો બગસરાના મુંઝીયાસર ગામના વાતની છે. તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માં મોટી આફત આવી પડી હતી. અલ્પાનો ઉછેર તેના મામાને ઘરે થયો હતો અને મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.

આ સિવાય અલ્પાએ પીટીસીનો અભ્યાસ પણ કર્યો છે. અલ્પાને સંગીતની ભેટ નાના દ્વારા વારસામાં મળેલી છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો.

નાની ઉમરે કરી સિંગીગની શરૂઆત:

10 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરનાર અલ્પા પટેલે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’, ‘ચાર ચાર ધામની મા ખોડલની આરતી’, જેવા અનેક ગીતોથી નામના મેળવી છે. અલ્પાના નાનપણમાં પિતાના અવસાનથી ભાઈ અને માતા પર આવી પડેલી ઘરની જવાબદારીના કારણે તેમના માતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજૂરી કામ કરતા હતા.

સુરત સ્થાયી થયેલા મામાને ત્યાં પ્રોગ્રામમાં 11 વર્ષની ઉંમરે અલ્પાને પહેલો ચાન્સ મળ્યો હતો. આ સિવાય તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારના ગરબા અને પાટીદારોના કુળદેવી માતા ઉમિયા અને માતા ખોડલના ગીતો અને ભજનોથી ખુબજ નામના મેળવી હતી.

માતા અને ભાઈ મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે રહ્યાં:

ખોડિયાર માતામાં અનેરી શ્રદ્ધા ધરાવતી અલ્પા પટેલને સિંગીગની શરૂઆતમાં નજીકના લોકોના મેણા-ટોણાનો સામનો કરવો પડ્યો હતો. અને આવી દરેક મુશ્કેલીમાં તેમના ભાઈ મહેન્દ્ર અને માતાએ હંમેશા તેમનો સાથ આપ્યો હતો. અલ્પા પટેલનું માનવું છે કે, ‘દરેક સ્ત્રી પાસે સમય અને મોકો હોય છે, જેથી તેમણે તેમની સુતેલી શક્તિને ઓળખી અને સંસ્કૃતિની જાળવણી સાથે આગળ વધવું જોઈએ.

અલ્પા વિશે વધુમાં જણાવીએ તો ગુજરાતની કોઈ પણ જગ્યાએ પટેલો દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં અલ્પા પટેલની હાજરી ન હોય એવું ક્યારેય બને જ નહીં. પટેલ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ અલ્પા પટેલના સુરીલાં કંઠે ગયેલા ગીતોને સાંભળવા આતુર હોય છે.

The post પાટીદાર સમાજનું ગૌરવ છે ‘અલ્પા પટેલ’: માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી appeared first on Gujju Media.