લોકડાઉન મુદ્દે મોટા સમાચાર,અમદાવાદમાં અપાઈ શકે આ મોટી છૂટછાટ

મુખ્યમંત્રી CM રૂપાણીએ આજે રાજ્યના મનપા કમિશ્નર સાથે લૉકડાઉનમાં છૂટછાટને લઈને રિવ્યુ મીટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને બફર અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં તમામ દુકાનો ખોલાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જીવન જરૂરિયાત સિવાયની દુકાનો પણ ખોલાશે તેમ જાણવા મળી રહ્યું છે.

મનપા વિસ્તારમાં કેટલી છૂટછાટ અપાય તે માટે આજે મુખ્યમંત્રીએ મનપા કમિશ્નર સાથે ચર્ચા કરી હતી. જેમાં રિટેલ અને હોલસેલની દુકાનો પણ ખોલવા માટે મંજૂરી અપાઈ શકે છે. સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ખુલ્લી રહી શકાય તેવું મીટિંગમાં નિર્ણય લેવાયો હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આવામાં જાણીએ કે અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકામાં લૉકડાઉન 4માં કેવા પ્રકારની છૂટછાટ અને રાહતો મળી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ખાડિયા, જમાલપુર, શાહપુર, કાલુપુર, આસ્ટોડિયા, મણિનગર, અસારવા, સુરસપુર, બહેરામપુરા, દાણીલીમડા વગેરેનો કેન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે. આ સિવાયના શહેરના વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રીક દુકાનો- ગેરેજ ખુલી શકે છે.

જ્યારે બીજી બાજુ સુરતની વાત કરીએ તો મ્યુનિ કમિશ્નરે લૉકડાઉન 4માં વધુ છૂટછાટ નહીં અપાય તેવા સંકેત આપ્યાં છે. વધુ છૂટછાટના કારણે શહેરમાં કોરોના વધુ વકરી શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. જેના પગલે 31 મે સુધી હજુ પણ શહેરમાં વધારે છૂટછાટ સુરતીઓને મળે તેમ લાગી રહ્યું નથી. મહત્વનું છે કે આજે મુખ્યમંત્રી સાથે આ બાબતે રિવ્યુ મીટિંગ થઈ હતી. જેના પગલે સાંજે સત્તાવાર જાહેરાત થશે કે જિલ્લાઓમાં કયા પ્રકારની છૂટ અપાઈ શકે છે.

લોકડાઉન-4.0ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, DDO સાથે બેઠક કરી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા પાનના ગલ્લાઓ ખોલવા માટેનો નિર્ણય કરાયો છે. દુકાનમાં પાન-મસાલા સહિતની ચીજ વસ્તુઓ મળી શકશે. જ્યારે મુખ્ય બજાર માટે એક અઠવાડિયામાં ત્રણ દિવસ આપવામાં આવી શકે છે. મહત્વનું છે કે રાજકોટમાં હાલમાં 25 જ એક્ટિવ કેસ હોવાના કારણે ગ્રીન ઝોનમાં સમાવેશ થઈ શકે છે.

વડોદરામાં લોકડાઉન-4માં સિટી બસ સેવા શરૂ થઇ શકે છે. સિટી બસ મથક પર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ દોડાવાશે. અને વતન ગયેલા ડ્રાઇવરો અને કર્મચારીઓને સાંજ સુધી પરત બોલાવાશે. 35 મુસાફરોની બસમાં 20 મુસાફર જ બેસાડાશે. અને બસના ડ્રાઇવરોને તમામ સુવિધા અપાશે.

The post લોકડાઉન મુદ્દે મોટા સમાચાર,અમદાવાદમાં અપાઈ શકે આ મોટી છૂટછાટ appeared first on Gujju Media.