કેબીસીમાં કર્મવીર એપિસોડમાં જોવા મળ્યા ડૉ.અચ્યુતા

સોની ટીવી પર આવતા ગેમ રિયાલિટી શૉમાં કર્મવીર સ્પેશિયલ એપિસોડ બતાવવામાં આવ્યો હતો. આ અઠવાડિયે કર્મવીર બનીને ઓરિસ્સાના ડૉ. અચ્યુતા સામંત હૉટ સીટ પર બિરાજમાન થયા હતા. ડૉ.નો સાથ આપવા માટે શૉમાં સાંડ કી આંખ અભિનેત્રી તાપસી પન્નૂ પણ પહોંચી હતી. તાપસી અને અચ્યુતા બન્ને સારું રમતાં હતાં પણ બન્ને કુંભ સાથે જોડાયેલા એક સવાલમાં અટકાઈ ગયા. ગઇકાલે અમિતાભ બચ્ચનની સામે હૉટસીટ પર પહોંચનારા ડૉ. અચ્યુતા સામંત ઓરિસ્સા સાથે સંબંધ ધરાવે છે. ડૉ. અચ્યુતા, સામંત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ અને બીજી પણ ઓરિસ્સાની કેટલીક ઇન્સ્ટીટયુટના ફાઉન્ડર છે. ડૉ. સામંત દ્વારા ચલાવવામાં આવતી આ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથીમોટી રેસિડેન્ટલ ટ્રાઇબલ ઇન્સ્ટિટ્યૂટ છે.તેમના દ્વારા ચલાવવામાં આવતી આ ઇન્સ્ટિટ્યૂટમાં 29,000 બાળકો રહે છે, જેમને શિક્ષણની સાથે સાથે મફત ખાવાનું અને સુવિધાઓ આપવામાં આવે છે.તાજેતરમાં જ સાંડ કી આંખ ફિલ્મમાં જોવા મળેલી તાપસીએ આ શૉમાં પહોંચવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, “હું ફક્ત એકવાર એક ઇન્સ્ટિટ્યૂટમાં પેનલ ડિસ્કશન માટે ઓરિસ્સા ગઈ છું, અને તે ડૉ. સાવંતની જ ઇન્સ્ટિટ્યૂટ હતી, મને સારા કામ વિશે ખબર પડી. મારું માનવું છે કે શિક્ષણ દરેક મુશ્કેલીનો ઉકેલ છે અને ડૉ. સામંત ઘણું સારું કામ કરી રહ્યા છે.”