મુલ્તાની માટી ચહેરાના ડાઘ-ધબ્બા કરશે દૂર અને વાળને પણ બનાવશે ડેન્ડ્રફ ફ્રી

મુલ્તાની માટી ચહેરા તેમજ વાળમાંથી એક્સેસ ઓઇલ શોષી લે છે

– જાણો, કેવી રીતે મુલ્તાની માટીનો સુંદરતા જાળવી રાખવા માટે ઉપયોગમાં લઇ શકો છો?

બજારમાં કેટલાય પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કેમ ન હોય, પરંતુ તે ક્યારેય કુદરતી વસ્તુઓને માત ન આપી શકે. સદીઓથી જે વસ્તુઓનો ઉપયોગ કરીને રાણીઓ પોતાની સુંદરતા જાળવતી હતી તે આજે પણ આપણા માટે તેટલી જ ઉપયોગી છે. તેમાંથી એક છે મુલ્તાની માટી. વર્ષોથી આ માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આજે પણ વાળ અને ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે મુલ્તાની માટીનો ઉપયોગ થાય છે. જાણો, મુલ્તાની માટીની મદદથી તમે કેવી રીતે સુંદર દેખાઇ શકો છો…?

શું હોય છે મુલ્તાની માટી?

આ એક પ્રકારની માટી હોય છે જેમાં કોઇ પણ તેલ અથવા તરલ પદાર્થને બેરંગ કરવાની ક્ષમતા હોય છે. આ સાથે જ મુલ્તાની માટીમાં ઑઇલ અને ગ્રીસને શોષી લેવાની ખાસિયત પણ છે. આ કારણથી પહેલાના સમયમાં શરીરમાંથી તેલ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વાળ માટેના ફાયદા

જો તમારા વાળમાં ડેન્ડ્રફ થયો હોય અથવા તો તમે વાળના એક્સેસ ઓઈલથી પરેશાન છો તો મુલ્તાની માટી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. મુલ્તાની માટીથી વાળ ધોવાથી વાળના ડેન્ડ્રફની સમસ્યા બેથી ત્રણ વૉશમાં ખત્મ થઇ જાય છે. અને વાળનું એક્સ્ટ્રા ઑઇલ પણ દૂર થઇ જાય છે. પરંતુ જો તમારા વાળ ડ્રાય છે તો તેનો ઉપયોગ ન કરશો. તેનાથી તમારા વાળ વધારે શુષ્ક બની શકે છે.


મુલ્તાની માટીને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી દો. પાણી તેટલી માત્રામાં જ નાંખો જેનાથી થીક પેસ્ટ બની શકે. સવારે આ પેસ્ટથી વાળ ધોઇ નાંખો. પહેલા વાળના મૂળ સુધી મુલ્તાની માટીની પેસ્ટ લગાવો. આખા વાળમાં લગાવ્યા બાદ સારી રીતે મસાજ કરો અને ત્યારબાદ ધોઇ નાંખો.

ચહેરા માટે ઉપયોગી

જો તમારા ચહેરા પર વારે વારે ખીલ થવાની સમસ્યા રહે છે તો મુલ્તાની માટીથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આ ચહેરા પરથી એક્સ્ટ્રા ઑઇલને શોષી લે છે, જેનાથી ચહેરા પર ખીલ થતા નથી.
મુલ્તાની માટીને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. તમે ઇચ્છો તો તેમાં ગુલાબ જળ અને લીંબૂનો રસ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થવાની સાથે-સાથે ટેનિંગ પણ ખત્મ થઇ જશે અને ચહેરો ગ્લો કરવા લાગશે. ડ્રાય સ્કિન ધરાવતા લોકો આ માટીનો ઉપયોગ ન કરશો, તેનાથી ત્વચા વધારે શુષ્ક બની જશે.