હેરવોશ કરવા માટેનો યોગ્ય સમય

આજકાલ વધતા જતા પ્રદુષણને લઈને લોકો ઘણી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત લોકોને સ્કીન તેમજ હેરમાં પણ ઘણી સમસ્યાઓ થઇ રહી છે. આ માટે સ્કીન તેમજ હેરની જરૂરી સંભાળ રાખવી જરૂરી બની જાય છે. ઉલ્લેખનીય છે કે, આજકાલની ભાગદોડ ભરી લાઈફમાં ઘણી વાર લોકોને વાળ ધોવાનો સમય હોતો નથી ,આથી તેઓ રાત્રે વાળ ધોવાનું પસંદ કરે છે. પરંતુ રાતના સમયે વાળ ધોવાના કારણે અનેક નુકશાન થઈ શકે છે. તેનાથી તમારા વાળ તૂટે છે અને ગૂંચવાઈ જાય છે. આ સિવાય એલર્જીનો પણ ખતરો રહે છે. રાત્રે વાળ ધોવાથી વાળ અને તેના મૂળ બંને નબળા પડે છે. ભીના વાળ સાથે સૂવાથી વાળ વધુ તૂટે છે. ઘણી સ્ત્રીઓ રાત્રે વાળ ધોયા પછી કાંસકો ફેરવતી નથી. જેના કારણે વાળ ગૂંચવાઈ જાય છે. વાળ સુકાઈ ગયા પછી તેમાં ગૂંચ રહે છે અને તેના કારણે વાળ તૂટે છે. ભીના વાળ સાથે સૂવાથી ફૂગ, ડેન્ડ્રફ, વાળ ખરવા અને ચેપ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ભેજને લીધે ભીના વાળમાં ફંગસ ઝડપથી થાય છે. રાત્રે વાળ ધોવાથી શરદી પણ થઇ શકે છે. તેનાથી માથાનો દુઃખાવો અને ભારેપણું પણ અનુભવાય છે. મહત્વનું છે કે, જો રાત્રે વાળ ધોઈને પ્રોપર સૂકવવામાં આવે અને પછી સુવામાં આવે તો વાળને કોઈ ખતરો રહેતો નથી. અને વાળ પણ હેલ્ધી બની રહે છે.